✤ સ્થાન :- ગામ નું ક્ષેત્રફળ આશરે ૧૬૬૦ - ૮૮ - ૯૭ હેક્ટર
ભૌગોલિક સ્થાન જોતાં ઉત્તર અક્ષાંશ ૨૨° ૨૮ʼ અને પૂર્વ રેખાંશ ૭૨° ૪૨ʼ
ચરોતર પંથક ની પશ્ચિમ સરહદે આણંદ ખંભાત રેલ્વે લાઈન ઉપર એક જ માઈલ ના અંતરે બે રેલ્વે સ્ટેશન ધરાવતું જૂનું અને જાહોજલાલી વાળું ઐતિહાસિક મહત્વ ધરાવતું અને નાર નગર,નાર અને નાર ટાઉન ના ત્રિવિધ નામ થી ઓળખાતું ગામ.
✤ વસ્તી :-૭૬૧૯ ( સન ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ)
ચરોતર શબ્દ નું મૂળ જ સંસ્કૃત અવતરણ ઉપર થી નક્કી કરવામાં આવ્યું છે. તેમાં શ્રી નાર એ નામના ગામનો ઉલ્લેખ છે.એ ઉપર થી એટલું તો સિધ્ધ થાય છે કે તેરમા સૈકા માં નાર ગામ નું અસ્તિત્વ હતું. કહેવાય છે કે નાર ગામનું જૂનું નામ નારંગપુર હતું. તે વિક્રમ સંવત ૨૦૩ ના ચૈત્ર સુદ બીજ ને ગુરૂવારે નવધર નામના માણસે વસાવ્યું હતું. નવધર મૌર્ય વંશ નો હતો. એવું પણ કહેવાય છે કે નાર ગામ વિક્રમ સંવત ૮૦૨ માં નારસીંગ નામના વ્યકિત એ વસાવેલું. એ ગમે તે હોય. આ ગામ માં મોટાભાગ ની વસ્તી પાટીદારો ની છે.
સંવત ૯૨૬ માં વરછા પટેલ ની પુત્રી રંગબા નું લગ્ન સાવલી ના દેસાઈ સરભણભા સાથે થયેલું. કહેવાય છે કે નારંગપુર માં વસતા તમામ પટેલો ધનાભાઈ ના વંશજો છે અને તેમના વંશજો છ ખડકી માં વહેંચાયેલ છે.
જેમકે મોટા દિકરા નરસિંહભાઈ નિઁવંશ હતા. કીકાભાઈ ઉર્ફે કક્કાભાઈ ને બે દિકરા અડદાભાઈ અને મેધાભાઈ, ધરસંગભાઈ ને ત્રણ દિકરા લાલભાઈ , ખીમજીભાઈ અને સોલીદાસ, તેમજ રાઘવભાઈ ને બે દિકરા રવદાસ અને સીયાજી. મેધાભાઈ સિવાય ના અન્ય ભાઈઓ નાં કુટુંબ જેમના તેમના નામથી આજે પણ ઓળખાય છે.
જયારે મેધાભાઈ ના બે દિકરા કાનાભાઈ અને વીરાભાઈ. જેમાં વીરાભાઈ નું કુટુંબ વીરાભાઈ ના નામે ઓળખાય છે. જયારે કાનાભાઈ ના ચાર દિકરા મુન્દાસ, આંબાભાઈ, માઘાભાઈ અને દ્વારકાદાસ એમના નામે ચાર કુટુંબો ઓળખાય છે.
ધનાભાઈ ના આ સંયુક્ત વંશજ ના પરિવાર ની નરવા ની રકમ ૬૫ રૂપિયા થતી. જે સને ૧૫૭૩ માં અકબર ના શાસન દરમ્યાન તેનાં મહેસૂલ અધિકારી રાજા ટોડરમલે ગુજરાત ની જમીન ની માંપણી કરી હતી અને જે તે ગામના મુખીયા ને નરવા બાંઘી આપેલ હતી. તેથી તેમનો ભાગ પાટી ૬૫ થી તરીકે ઓળખાય છે.
જ્યારે ત્રણ ખડકીઓ પૈકી સત્તરની ખડકીનો ૱૧૭ નો નરવા ,બારની ખડકીનો ૱૧૨ નો નરવા અને ભુદરદાસ ની ખડકીનો ૱૦૬ નો નરવા મળી કુલ ૱૩૫ નરવા બંધાયેલ તેથી તેમનો ભાગ પાટી ૩૫ તરીકે ઓળખાય છે.
તે જ આંકડાકીય ઓળખ ધરાવતી બે ધર્મશાળાઓ અસ્તિત્વ ધરાવે છે.
વીરસદ ના વીર વસંતદાસની સાથે નારના ગંગાદાસ નું નામ લોકો યાદ કરે છે. સંવત ૧૭૧૭ માં ગંગાદાસ ના ભાઈ નરેરદાસ ના પુત્ર ભગવાનદાસ નું લગ્ન વીર વીસનદાસ ની પુત્રી તારાબાઈ સાથે થયેલું. તારાબાઈ સંવત ૧૭૮૨ વિધવા થયાં હતાં. તે શિવમાર્ગી હતાં. તેમણે સંવત ૧૭૯૨ માં મહાદેવ નું મંદિર બંધાવ્યું હતું. તે હાલ ના ભૃંગરાજ મહાદેવ ના પરિસર માં ઉત્તર તરફ આજે પણ અડીખમ ઊભેલું છે અને તેના ઉપર તેમના નામની તકતી પણ વિદ્યમાન છે. નાર માં હાલ જ્યાં રાષ્ટ્રપિતા નું સ્મારક છે ત્યાં પીપળા નું ઝાડ હતું અને તેની આજુબાજુ તારાબાઈ ના સ્મારક રૂપે ચોતરો હતો. તારાબાઈ ના સમય માં ૪૮ - ૪૯ ગામનું પરગણું હતું. આ સમયમાં ગામ ના કર્તાહર્તા મહોત પટેલ હતા અને ગામ ગરાસિયા ના તાબા માં હતું. એ સમય માં ગંગાદાસ અને નરેરદાસ પણ આગળ પડતા આગેવાન હતાં. ઈર્ષા ને કારણે મહોત પટેલ નું ખૂન કરવામાં આવ્યું હતું. ગંગાદાસ એ આ બાબત માં અમદાવાદ ના સૂબા આગળ ગરાસિયાઓ સામે ફરિયાદ કરી હતી. હકીકત સાંભળી સૂબાએ નારંગપુર ના તમામ રાજપૂતો નો સંહાર કરવાનો હુકમ કરેલો અને વાત્રક નદી ના કાંઠે મહોત પટેલ ના પાર્થિવ શરીર નો સન્માન સાથે અગ્નિ સંસ્કાર કરાવેલ. સૂબાનાં હુકમ થી નારંગપુર માં સૈનિકો એ ભયંકર સંહાર ચલાવેલો તે જોઈ ગંગાદાસ નું દિલ કકળી ઊઠ્યું હતું. તેમણે સૈનિકો ને સંહાર બંધ કરવા વિનવેલ પણ સૈનિકો એ તેમનું માનેલ નહિ. ત્યારે ગંગાદાસ તથા નરેરદાસ એ સ્ત્રીઓનો બચાવ કરેલો અને પાછળ થી નારંગપુર નો વહીવટ હાથમાં લીધેલો. ગંગાદાસ નું ખૂન આગ્રા માં થયેલ. ત્યાં તેમનાં સ્મારક તરીકે બાદશાહે ગંગેશ્વર મહાદેવ બંધાવેલ એમ કહેવાય છે.
નાર ગામ માં ત્રણ પાળીયા છે. એક ખોડીયાર તલાવડીને માર્ગે, બીજો મલાવ તળાવ ને કિનારે પશ્ચિમ કાંઠે અને ત્રીજો હાઈસ્કૂલ આગળ. આ ત્રીજા પાળીયા ઉપર ' સંવત ૧૭૬૫ જેઠ સુદ સાતમ મંગળવાર ' એવું કોતરેલ છે.
✤ શિક્ષણ
--- નાર પ્રાથમિક કુમારશાળા ની શરૂઆત ૦૧-૧૦-૧૮૭૬ ના રોજ કરવામાં આવેલ.
--- નાર પ્રાથમિક કન્યાશાળા ની શરૂઆત ઈ.સ. ૧૯૪૧ માં કરવામાં આવેલ. જેનું મકાન શ્રી ચતુરભાઈ કાશીભાઈ પટેલે બંધાવી આપ્યું હતું.
✤ શ્રી આર.એલ.હાઈસ્કૂલ :
પ્રાથમિક શિક્ષણ ની સાથે જ કેળવણી મંડળે ઈ.સ. ૧૯૦૬ માં માધ્યમિક શિક્ષણ માટે નાર હાઈસ્કૂલ ની શરૂઆત કરેલ. સમય જતાં દાનવીર સ્વ. ભાઈશ્રી રણછોડભાઈ લખાભાઈ પટેલ ના સ્મરણાર્થે તેમના પુત્રો એ નાર હાઈસ્કૂલ નું નામ સંસ્કરણ ' ભાઈશ્રી રણછોડભાઈ લખાભાઈ પટેલ હાઈસ્કૂલ ' કરાવવા અર્થે મોટું દાન આપેલ.
ઈ.સ. ૧૯૩૮ માં બાલમંદિર ની સ્થાપના કરવામાં આવી. ઈ.સ. ૧૯૮૬ - ૮૭ માં તેનું નવું નામકરણ ' શ્રીમતી કાશીબેન અંબાલાલ પટેલ બાલમંદિર' કરવામાં આવેલું.
✤ શ્રીમતી એલ.સી.પટેલ કન્યા વિદ્યાલય :
સને. ૧૯૬૭ પહેલાં બહેનો માટે માધ્યમિક શિક્ષણ ની વ્યવસ્થા શ્રી આર એલ પટેલ હાઈસ્કૂલ માં ચાલુ હતી. સને. ૧૯૬૭ માં અલગ થી કન્યા વિદ્યાલય માટે દાતાશ્રી ચતુરભાઈ લલ્લુભાઈ પટેલે ઉદાર સખાવત કરી. તેના ફળસ્વરૂપે શ્રીમતી લીલાવતીબેન ચતુરભાઈ પટેલ કન્યા વિદ્યાલય ચાલું કરવામાં આવી.
✤ શ્રીમતી એમ.સી.પટેલ પ્રાથમિક શાળા (self finance)
✤ શ્રી સી.એમ. પટેલ ચેરીટેબલ કોમ્પ્યુટર વિભાગ
✤ શ્રી એ.કે.પટેલ ઈગ્લીંશ મીડિયમ સ્કૂલ ' ગોકુળ '
તારીખ ૨૬-૧૨-૧૯૭૬ ના ' નાર સેવા સમાજ ' ની સ્થાપના કરવામાં આવેલ તેના અંતર્ગત 'સી.કે.પટેલ ટેકનીકલ ઈન્સ્ટીટયુટ ની શરૂઆત થઈ. જેમાં સરકાર માન્ય આઈ.ટી.આઈ પેટર્ન વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે.
✤ આરોગ્ય સગવડ
સને. ૧૯૩૬ માં સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (દવાખાનું )શરૂ થયેલ.
સને. ૧૯૪૬ માં ઓડ ના વતની અને અમદાવાદ ના મીલ માલિક શ્રી ભીખાભાઈ જીવાભાઈ પટેલ ના ગં. સ્વ. પુત્રી ડાહીબેને સરકારી દવાખાના ના કમ્પાઉન્ડ પ્રસૃતિગૃહ બાંધી આપ્યું છે. જ્યારે સ્વ. શ્રી વાધજીભાઈ મુળજીભાઈ પટેલ તથા તેમના પત્ની ના સ્મરણાર્થે તેઓના વારસદારો એ દવાખાનામાં આવતા દર્દીઓ ની સાથે આવતાં સ્વજનો માટે અતિથીગૃહ બંધાવી આપેલ છે.
✤ સાર્વજનિક ક્લબ
શિક્ષિત યુવાનો ફુરસદ ના સમય નો સદુપયોગ કરી શકે અને એકબીજા સાથે વિચાર વિમર્શ દ્વારા પોતાની અને ગામની પ્રગતિ વિશે વિચારતા થાય એવા શુભ આશય થી ક્લબ ની સ્થાપના પંચાયતગૃહ ની પાછળ ના મકાન માં કરવામાં આવેલ છે. તેનું શ્રી બાબુભાઈ મોતીભાઈ પટેલ સાર્વજનિક ક્લબ નામકરણ કરવામાં આવેલ છે.
યુવાનો ગામ ને અનુલક્ષી ને વિકાસલક્ષી કાર્યક્રમો પણ યોજે છે. જેના આશ્રયે કોલેજો ના જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ ને વિના મૂલ્યે પુસ્તકો તેમજ જરૂરી અન્ય સહાય કરવામાં આવે છે.
✤ વ્યાયામ શાળા
દાતા શ્રી મોતીભાઈ શંકરભાઈ પટેલ કે જેમને વ્યાયામ પ્રવૃત્તિઓ માં ભારે રસ હતો. તેમણે સને. ૧૯૨૯ માં ગુજરાતી કુમાર શાળા ની પૂર્વ દિશા એ વ્યાયામ મંદિર નું એક સુંદર મકાન બાંધી આપેલ છે.
✤ પુસ્તકાલય
✤ નાર સાર્વજનિક પુસ્તકાલય,
આમતો સને. ૧૯૦૭ માં સરકયુલેટી લાઈબ્રેરી ની શરૂઆત થઈ હતી. ત્યારબાદ સને. ૧૯૧૨ માં પુસ્તકાલય નું મકાન તૈયાર કરવામાં આવેલ. તેનું સ્વ. શ્રી ડાહ્યાભાઈ શામળભાઈ પટેલ સાર્વજનિક પુસ્તકાલય તરીકે નામકરણ કરવામાં આવેલ.
✤ નાર સાર્વજનિક બાલ પુસ્તકાલય
ઈ.સ. ૧૯૨૬ માં બાલ પુસ્તકાલય ની સ્થાપના કરવામાં આવી. પણ તેના માટે અલાયદો વહીવટ, મકાન કે ખર્ચ ની જોગવાઈ રાખવામાં આવેલ નથી. પરંતુ નાર સાર્વજનિક પુસ્તકાલય સાથે આ પુસ્તકાલય ને જોડી દેવામાં આવેલ છે.
✤ નાર મહિલા પુસ્તકાલય
તારીખ ૨૨-૦૭-૧૯૫૨ ના રોજ મહિલા પુસ્તકાલય ની સ્થાપના થઈ. જેમાં નરેરદાસ ની ખડકી ના શિવાભાઈ ધનજીભાઈ પટેલે તેમના ધર્મપત્ની સ્વ. ચંચળબેન ના સ્મરણાર્થે ઉદાર સખાવત પુસ્તકાલય ના મકાન માટે કરેલ હોય લોકો એ " શ્રીમતી ચંચળબેન શીવાભાઈ પટેલ મહિલા પુસ્તકાલય " નામાભિદ્યાન કરેલ છે. આ પુસ્તકાલય માં લાઈબ્રેરી પ્રવૃતિ સાથે સીવણ ક્લાસ પણ ચલાવાય છે.
✤ વારીગૃહ
નાર વારીગૃહ સહકારી મંડળી લિ. ની સ્થાપના તારીખ ૨૫-૦૭-૧૯૪૬ ના રોજ કરવામાં આવી હતી.
સ્વ ચંદુભાઈ વેરીભાઈ પટેલ ( ચોપાટ ફળિયું ) ના પુત્ર તરફથી નાર ગામમાં મલાવ ભાગોળે ટાંકી પાસે તેમજ વડતળાવ પાસે ટાંકી ની બાજુ માં આર – ઓ પ્લાન્ટ તેમેજ વોટર કુલર નાખી આપવામાં આવેલ છે. ગ્રામજનો ને રૂપિયા ત્રણમાં ૨૦ લીટર પાણી આપવામાં આવે છે. ઠંડા પાણીના જગ રૂપિયા વીસમાં ૨૦ લીટર આપવામાં આવે છે.
વર્ષ. ૧૯૯૪-૯૫ માં પટેલ મંદુભાઈ ચતુરભાઈ (અમેરિકા) ના માધ્યમ થી નાર ગામમાં ગટર ની સુવિધા કરવામાં આવેલ.
✤ દૂધ મંડળી
ગામ માં પશુપાલન વ્યવસાય ને વેગ આપવા નાર દૂધ ઉત્પાદક મંડળી ની સ્થાપના કરેલ છે. જે અમૂલ સાથે સંલગ્ન છે.
✤ પ્રસંગ માટે વાડી - હોલ
પાટી ૬૫ ની વાડી , પાટી ૩૫ ની વાડી, વૃંદાવન ( કલા - રમણ પાર્ટી પ્લોટ , ઓપનએર / શારદા હોલ, એરકુલ્ડ / મનુકાકા અતિથીગૃહ, એરકન્ડિશન્ડ) તેમજ અન્ય ધર્મશાળાઓ છે. પાટી ૬૫ ની વાડીમાં રાજુભાઈ વલ્લવભાઈ પટેલે (વડોદરા) અને જશભાઈ પટેલ (હાડવૈદ- ખંભાત) નવીન રસોઈઘર બનાવી આપેલ છે. રાજુભાઈ વલ્લવભાઈ પટેલ તરફથી પાટી ૬૫ ની ધર્મશાળા માં રીનોવેશન કરી આપવામાં આવેલ છે. પાટી ૬૫ ની ધર્મશાળામાં શ્રી કિરીટભાઈ પરષોતમદાસ પટેલ.(શ્રીહરિ - અમદાવાદ) દ્વારા ઈન્ટીરીયર ડીઝાઈમ અને ડેકોરેશન કરી આપવામાં આવેલ છે .
નાર ગામના સરકારી દવાખાનામાં ગ્રામજનોના દાનથી દરેક દર્દીને મફળ દવાઓ આપવામાં આવે છે.
✤ અંતિમ સંસ્કાર કેન્દ્ર
પારંપારિક ચિતા (લાકડા આધારિત) તેમજ ગેસ સંચાલિત ચિતા નું સંચાલન કરવામાં આવે છે.
ગામ માં મૃત્યું પામેલ વ્યકિત ના પાર્થિવ શરીર ને લાંબા સમય સુધી રાખવાની જરૂરિયાત ઉભી થાય ત્યારે, તેને માટે હરતું ફરતું ફ્રીઝર બોક્સ ની સગવડ શ્રી દક્ષેશભાઈ કનુભાઈ પટેલ તરફથી કરવામાં આવેલ છે. રમેરાભાઈ કાળીદાસ પટેલ (જોષીવાડ) તરફથી ગેસ આધારિત સાર્વજનિક સ્મશાન ગૃહ બાંધી આપવામાં આવેલ છે.