પીજ

ગુજરાત રાજ્ય માં ખેડા જીલ્લા ની એક આગવી છાપ છે. આ ભૂમિ માં ધણા સાક્ષરો , કવિઓ , સમાજ સુધારકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ, કેળવણીકારો, રાજકારણીઓ અને નામાંકિત વ્યકિતઓ પેદા થઈ છે. તેમાંય ચરોતર ભૂમિ તો જીલ્લાનું મુખ્ય હાર્દ છે.આ ભૂમિ નડિયાદ થી સાત કિ.મી. ના અંતરે મૂળ ગાયકવાડી રાજ નું નાનું ગામ પીજ આવેલ છે. તેની આગવી પરંપરાઓ અને ધાર્મિક લાગણીને લીધે વિશિષ્ટ સ્થાન ધરાવે છે.

નડિયાદ - ભાદરણ રેલ્વે લાઈન પરનું પ્રથમ સ્ટેશન પીહિજ એજ પીજ. જ્યાં બસ દ્વારા પણ નડિયાદ થી આવી શકાય છે. શ્રી કપિલેશ્વર મહાદેવના શિલાલેખ પરથી આ ગામ આઠમા સૈકામાં વસ્યું હોય એમ લાગે છે.

વહીવંચા ના જણાવ્યા પ્રમાણે વિ. સંવત . ૧૦૧ માં ઉત્તર તરફથી લેઉઆ પાટીદાર અડાલજ માં આવ્યા, ત્યાંથી સંવત. ૨૫૨ માં કેટલાંક લવાડ ગયા. શ્રી કપિલેશ્વર મહાદેવ ધંધુપાળ રાજાએ સંવત. ૩૧૩ માં બાંધ્યું. પૌરાણિક માન્યતા છે કે ધંધુપાળ ને ચામડી નો રોગ (કોઢ) થયો હતો. જે શ્રી કપિલેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણ માં આવેલ તળાવ માં સ્નાન કરવાથી કોઢ ના રોગ નું નિવારણ થયેલ. આજે પણ જેમને ચામડી ના રોગ હોય તેઓ વ્યતિપાત ના દિવસે સ્નાન કરવા દૂર દૂર થી શ્રદ્ધાપૂર્વક આવે છે.

વિ.સંવત. ૧૨૨૪ ના અરસા માં કરણાભાઈ અને અરણાભાઈ બે ભાઈઓ હતાં. કરણાભાઈ એ વાવ આગળ કૂવો બંધાવ્યો અને અરણાભાઈ ને અમીનાત મળી. ત્યાર પછી કેટલેક વર્ષે તેમના કુળમાં કાનજી પટેલ થયા તેમણે સંવત ૧૫૩૨ માં (વહીવંચા પ્રમાણે) અને સંવત. ૧૫૨૮ માં મહાદેવજી ના મંડપ ના પથ્થર પર છે તે પ્રમાણે શ્રી કપિલેશ્વર મહાદેવ નો આગળનો મંડપ બંધાવ્યો તથા તે અરસામાં બામરોલી ગામે શ્રી વૈજનાથ મહાદેવ નું મંદિર અને પીજ માં શ્રી ઈન્દ્રેશ્વર મહાદેવ નું મંદિર, વાવ તથા તળાવનો ઓવારો બંધાવ્યો.

પીજના વાયવ્ય ખૂણામાં પાંચેક ગાઉના અંતરે શીલોડ ગામના મુખીને ત્યાં કાનજી પટેલ પરણ્યા હતા. એકવાર તેઓ શીલોડ ગયા ત્યારે રાતના સમયે તે ગામ આગળ થઈ ને લશ્કર જતું હતું. તે લશ્કર ના સરદારોને મળવા મુખી સાથે કાનજી પટેલ પણ ગયા હતા. તે સમયે મહોરો લાદેલા પોઠિયાને ખાડામાં ગબડાવી દીધો. આ નાણાં શીલોડ વાળાઓ એ પોતે ન રાખતાં કાનજી પટેલ ને આપેલાં. તે દ્રવ્ય થી તેમણે બધાં કામ કર્યા હતાં.

તેમના વંશના નાકાભાઈ સંવત. ૧૬૫૬ માં દિલ્હી ગયા. અકબર બાદશાહ ના સમયમાં તે વખતે તેમને પેટલાદ મહાલ ની સુબેદારી મળી.

નાકાભાઈ એ ભદ્રકાળી માતાની સ્થાપના કરી હતી. તેમના દિકરા કેશવદાસ ને ચાર દીકરા થયા. (૧) ગોવિંદભાઈ (૨) ભવાનીદાસ (૩) રણછોડદાસ (૪) સુરદાસ . આ પૈકી ભવાનીદાસ નો વંશ નિ:વંશ થયો. બાકી ના ત્રણ ભાઈઓ નો વિસ્તાર છે. ગોવિંદભાઈ ના પુત્ર ગોકળભાઈ અને તેમના પુત્ર મંગળજી પટેલ થયા. મંગળજી પટેલ સારા વજનદાર પુરુષ હતા. તેમણે સંવત. ૧૭૯૬ માં દ્વારકા ની મોટી યાત્રા કરી.તેઓ સંવત. ૧૮૧૧ ના અરસામાં સ્વર્ગવાસી થયા. આ પ્રમાણે પાંચે ખડકી એકજ વંશ માંથી ઉતરી આવેલી પ્રજા છે.

અનુસંધાન તારીખ ૧૩-૦૧-૧૯૦૮ ના ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેક્ટર શ્રી લખાકાકા ના લેખ ઉપર થી નીચેની વિગતો ખડકીઓ માટે લીધી છે.

✤ પાંચ ખડકીઓ :-
(૧) વ્હાલાભાઈ ની ખડકી ( ગોકળદાસ, રણછોડદાસ, સુરદાસ નાં થડિયાં )
(૨) પૂંજાભાઈ ની ખડકી
(૩) ભાઈ શામળદાસ ની ખડકી
(૪) ગણેશજી ની ખડકી
(૫) પુરાંતા ની ખડકી

તે ઉપરાંત આથમણું પાસું અને લાલાભાઈ નું પાસું .

✤ આથમણાં પાસા ની પાંચ ખડકીઓ : -
(૧) ખેમજીભાઈ (૨) બચાભાઈ (૩) નરસિંહભાઈ (૪) હિરજીભાઈ (૫) ભીમજીભાઈ

✤ લાલાભાઈ ના પાસા ની પાંચ ખડકી :-
(૧) હરીદાસ (૨) માવજીભાઈ (૩) રામજીભાઈ (૪) ભગવાનદાસ (૫) નરોત્તમભાઈ ઝવેરી

આ ઉપરાંત મથુરાંદાસ ની ખડકી , કાજી બાજી , કરસનદાસ ની ખડકી ( કાદી ની ખડકી) , ભાઈલાલભાઈ ની ખડકી , લખુજી નું ફળિયું તેમજ બાકરોલવાળા નાં પાંખિયા છે.

-- પીજ જૂના બરોડા રાજ્ય નો એક ભાગ હોવાથી સને.૧૮૭૫ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા પ્રાથમિક શિક્ષણ ફરજીયાત કરવામાં આવ્યુ તેના કારણે તારીખ ૬ જૂન ૧૮૭૬ ના રોજ પહેલી પ્રાથમિક શાળા શરૂ થઈ.

✤ કન્યા શાળા :-
ત્યારબાદ સને. ૧૮૯૦ માં છોકરીઓ માટે અલગ થી કન્યા પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવી. સને. ૧૯૪૨-૪૩ માં સ્વ શ્રી દ્યાભાઈ લખાભાઈ અને સ્વ શ્રી સોમાભાઈ લખાભાઈ પટેલે રૂા. ૩૦૦૦ નું દાન આપતાં ચોરાની બાજુમાં નવું મકાન થયું અને કન્યા શાળા ને પોતાનું સ્વતંત્ર મકાન મળ્યું . સને.૧૯૫૮ માં શ્રી શંકરભાઈ સોમાભાઈ ની કંપની એ પંદર ખંડનું મકાન બાંધી આપ્યું.

✤ કુમાર શાળા :-
વિધાર્થીઓ ની સંખ્યા વધતા સને. ૧૯૫૫ માં શ્રી ઝવેરભાઈ શંકરભાઈ પટેલ (સોજીત્રા વાળા) દ્વારા કુમાર શાળા નું નવીન મકાન નું બાંધકામ કરી આપવામાં આવેલ. ગામમાં અલગથી હરીજન શાળા હતી.જે ૧૯૪૭ માં ભારત સ્વતંત્ર થતા કુમાર શાળા સાથે ભેગી કરી દેવા માં આવેલ.

સને. ૧૯૦૬ - ૦૭ માં અંગ્રેજી શાળા ધો. ૧ થી ૩ શરૂ કરવામાં આવેલ. સને. ૧૯૧૩ માં બરોડા રાજ્ય દ્વારા Anglo Vernacular School, જે A.V.School તરીકે જાણીતી હતી તે શરૂ કરવામાં આવી તેનાથી ધણાં બધાં વિધાર્થીઓ વિભાજીત થયા. પરંતુ ગામના પ્રજાજનો ના પ્રયત્નો થી સને. ૧૯૩૩ માં પ્રાથમિક શાળા અને A.V.School ને ભેગી કરી દેવામાં આવી. જે મધ્ય સ્કૂલ તરીકે જાણીતી બની. સને. ૧૯૪૯ માં મધ્ય સ્કૂલ ને પીજ કેળવણી મંડળ ( સ્થાપના: ૧૯૪૫) ના નિયંત્રણ હેઠળ લેવામાં આવી અને તેને New English School એવું નવું નામ આપવામાં આવેલ. પણ મહાત્મા ગાંધી ના અવસાન પછી તેમને સન્માન આપવા શાળા નું નવું નામ ' મહાત્મા ગાંધી વિનય મંદિર ' પીજ રાખવા માં આવ્યું. તેમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગ છે.

જયારે પ્રાથમિક વિભાગ હાઈસ્કૂલ સંલગ્ન ડો. ઈશ્વરભાઈ પટેલ પ્રાથમિક વિદ્યામંદિર ,પીજ હેઠળ ચાલે છે. શ્રી ચુનીભાઈ લલ્લુભાઈ પટેલ ના રૂ. બાર લાખ ના દાનથી પીજ કેળવણી મંડળ દ્વારા જૂન ૧૯૮૨ માં શ્રી સી એલ પટેલ ટેકનીકલ ઇન્સ્ટિટ્યૂટ, પીજ ની સ્થાપના થઈ. સંસ્થા નું સંચાલન પીજ કેળવણી મંડળ કરે છે.

કેળવણી મંડળ ના complex માં શ્રી કાલિદાસ જેસંગભાઈ Assembly Hall અને શ્રી ડાહ્યાભાઇ ગોવિંદભાઈ Office & Board Meeting Room જમીનદાતા ના નામે રાખવામાં આવેલ છે.

પીજ કેળવણી મંડળ ને હંમેશા ' Work is Worship ' માં માનતા સંચાલકો મળ્યાં છે. જેને કારણે આજે પણ આ સંસ્થા સુચારૂરૂપ ચાલી રહી છે.
તેમજ શૈક્ષણિક બાબતે સમગ્ર ખેડા જીલ્લા માં ઉચ્ચ શિક્ષણ આપતી શાળા તરીકે ની માન્યતા અપાવવામાં જેમનું મહત્તમ યોગદાન રહેલ છે તેવા શ્રી શેલત સાહેબ ને આજે પણ યાદ કરવામાં આવે છે.

✤ બાલમંદિર
શ્રી ડાહ્યાભાઇ બાપુભાઈ પટેલે તેમના પુત્રની સ્મૃતિમાં બાલમંદિર ના મકાન માટે દાન આપ્યું અને વિકાસ યોજનાની મદદથી સને ૧૯૫૬ માં હાઈસ્કૂલ ના દરવાજા પાસે મકાન તૈયાર થઈ ગયું. શ્રી જશભાઈ ધુળાભાઈ પટેલે તેમના પિતાની સ્મૃતિમાં એક મકાન બાંધી આપ્યું છે.

✤ શ્રી નરસિંહભાઈ ઉમેદભાઈ પટેલ સાર્વજનિક વ્યાયામ મંદિર
પુરાણીબંધુ ( શ્રી અંબુભાઈ પુરાણી અને શ્રી છોટુભાઈ પુરાણી ) ઓ એ બાળકો ને વ્યાયામમાં રસ લેતાં કર્યા. શ્રી શિવશંકર શામળદાસ જોષી એ તેમાં પ્રાણ પૂર્યા અને વ્યાયામ શાળા અસ્તિત્વ માં આવી. જૂની કન્યા શાળા પાસે શ્રી લક્ષ્મીદાસ રણછોડદાસે જમીન આપી અને શ્રી તુલસીભાઈ નરસિંહભાઈ એ પિતાની સ્મૃતિ માં મકાન બાંધી આપેલ. વ્યાયામ મંદિર ની વોલીબોલ ટીમ નો આખા ગુજરાત રાજ્ય માં દબદબો હતો.

✤ સાર્વજનિક પુસ્તકાલય :-
પીજ મિત્ર મંડળે સને. ૧૯૦૬ માં શરૂ કરેલી ગ્રંથાલય ની પ્રવૃત્તિ ને વેગ મળ્યો અને સને. ૧૯૦૮ માં પુસ્તકાલય ના મકાનના શ્રી ગણેશ મંડાયા અને તારીખ ૨૫ મે ૧૯૧૩ ને રવિવાર ના રોજ વડોદરા રાજ્યના ગ્રંથાલય ના વડા શ્રી બોર્ડન સાહેબ ને હસ્તે થયું. ત્યાં સુધી પુસ્તકાલય નું સંચાલન નાથાભાઈ જેસંગભાઈ ના મકાન (ટાવર હાઉસ) માં ભોંયતળીયે થી કરવામાં આવતું હતું.

✤ મહિલા પુસ્તકાલય :-
મંછાબેન જેઓ મુળજીભાઈ કરૂણાશંકર જૈન ના પત્ની તેઓની આગેવાની માં ૧૪ બહેનો એ પોતાના સ્વ ભંડોળ ના રૂપિયા ૩૫ ભેગા કર્યા અને પુસ્તકાલય સંચાલન કરી બહેનોને ચોપડીઓ ની Home Delivery આપવાની શરૂઆત કરી હતી. જે તે સમયે વિકસીત UK 🇬🇧 માં પણ આવી Mobile Library Service અસ્તિત્વ માં ન હતી. ત્યારબાદ સ્ત્રીઓ માં વાંચન ની અભિરૂચિ જળવાઈ રહે એ હેતુ થી પીજ ગ્રંથાલય કમિટી એ ' મહિલા પુસ્તકાલય ' શરૂ કર્યું.

✤ આરોગ્ય સગવડો :-
સને. ૧૯૩૬ માં શરૂ કરવામાં આવેલ દવાખાનુ પુસ્તકાલય માં ચાલતુ હતુ. પુસ્તકાલય ના સંચાલક શ્રી બબેરકાકા દ્વારા ચલાવાતુ હતુ. તેઓ કડુ કડીયાતુ થી પ્રાથમિક સારવાર આપતા હતા. ત્યારબાદ વ્યાયામ મંદિર માં સરકાર દ્વારા દવાખાનુ શરૂ કરવામાં આવ્યુ. બંન્ને દવાખાના ને પ્રજા દ્વારા ભેગાં કરેલ ફંડ ફાળા થી સહકાર આપવામાં આવતો. દવાખાના નો ઉપયોગ ગામના તેમજ આજુબાજુ ગામ ની પ્રજા દ્વારા કરવામાં આવતો હતો.

પ્રસૃતિગૃહ નું નિર્માણ શ્રી ચુનીભાઈ લાલુભાઈ પટેલ દ્વારા તેમના પત્ની શ્રીમતી શાંતાબેન ની યાદ માં કરવામાં આવેલ.

-- બીજા પ્રસૃતિગૃહ નું સંચાલન આરોગ્ય મંડળ દ્વારા કરવામાં આવતુ. આરોગ્ય મંડળ નું સંચાલન દાતા શ્રી મગનભાઈ અંબાલાલ પટેલ પરિવાર ના સભ્યો દ્વારા કરવામાં આવતું.

--- તારીખ ૩૦ જૂન ૧૯૫૯ ના રોજ પીજ સહકારી મંડળી ની સ્થાપના કરવામાં આવેલ તેનો ઉદ્દેશય ખેડૂતો ને ખેતી ના સાધનો તેમજ અન્ય રીતે ખેતી માં મદદરૂપ થવાનો હતો.

-- તારીખ ૧૮ ઓક્ટોબર ૧૯૬૩ ના રોજ ગામનાં નાગરિકો ને વ્યવસાય માં આર્થિક મદદ કરી શકાય તેવા ઉદ્દેશય સાથે પીજ પીપલ્સ કો ઓ બેન્ક લી. ની સ્થાપના કરવામાં આવેલ.

--- ગામમાં પશુપાલન ના વ્યવસાય ને વેગ મળી રહે તે માટે સહકારી દૂધ મંડળી ની સ્થાપના કરેલ, આજે દૂધ મંડળી પોતાનું વિશાળ મકાન ધરાવે છે.

✤ ઉધોગ ધંધા :-
ગામ નો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. અહીં ના લુહારો સુંદર ચપ્પાં, સુડી, કાતર, દાતરડાં અને અન્ય ખેતી નાં ઓજારો બનાવે છે. જે ખૂબ જ પ્રખ્યાત છે.
ગામ નો વિસ્તાર ૬.૬ ચોરસ માઈલ છે. આશરે ૨૦૦૦ (બે હજાર) ઘર ધરાવતા ગામ ની આશરે ૯૦૦૦ (નવ હજાર) ની વસ્તી છે. મુખ્ય વસ્તી પાટીદારો ની ઉપરાંત બ્રાહ્મણ, વાણિયા, લુહાર (પંચાલ), રબારી, બારૈયા, કોળી, તથા ઈતરકોમો ની છે