સુણાવ

✤ સ્થાન :- ઉત્તર અક્ષાંશ ૨૨॰ ૩૨' પૂર્વ રેખાંશ ૭૨॰ ૪૯'
✤ વસ્તી :- આશરે ૬૦૦૦

ગુજરાત પ્રદેશ ના ખેડા જીલ્લાના ચરોતર વિભાગના પેટલાદ તાલુકામાં પેટલાદ થી ઉત્તરે ત્રણ માઈલ દૂર તેમજ આણંદ થી પશ્ચિમે આણંદ સોજીત્રા રોડ ઉપર આણંદ થી દશ માઈલ ના અંતરે આવેલ છે.

દક્ષિણ બાજુએ ત્રણ માઈલ દૂર પેટલાદ રેલ્વે સ્ટેશન અને પશ્ર્ચિમ બાજુએ પાંચ માઈલ દૂર સોજીત્રા રેલ્વે સ્ટેશન આવેલ છે.

પૂર્વે પોરડા, વિશ્રોલી અને બાંધણી ગામ છે. પશ્ર્ચિમે આશાપુરી માતાનું ધામ એટલે કે પીપળાવ, ઈસણાવ અને પાળજ આવેલ છે. ઉત્તરે મહેળાવ, કાસોર અને દક્ષિણે પેટલાદ, રંગાઈપુરા અને ઈસરામા ગામ આવેલ છે.

આ ગામ કોણે કઈ સાલમાં પ્રથમ વસાવ્યું તેની ચોક્કસ માહિતી મળી આવી નથી. પણ દંતકથા પરથી અગિયારમાં સૈકામાં ' રાભાણા ' જાતની રજપૂત કોમે વસાવ્યું હતું એમ કહેવાય છે. તે વખતે ગામનો વસવાટ ઉત્તરે કાસોર ને રસ્તે આવેલી ધોધલા તલાવડી થી દૂધિયા તળાવ સુધી હશે એમ વારંવાર મળી આવતા અવશેષો પરથી અનુમાન થાય છે. વખત જતા તેમાં પાછળ થી વાણિયા, રબારી વગેરે વસેલા માલૂમ પડે છે. રબારી ચાલ્યા ગયા પછી ' મનજી લેરી ' નામના વાણિયા પટેલાઈ કરતાં હતાં અને તેમના સમયમાં ગામ આબાદ થયું હતું. એ દેશાવળ વાણિયાના સમયમાં ' સેલોત ' જાતના રજપૂત આગળ પડતા થયા. તેમણે પટેલાઈ માં ભાગ લીધો અને બંન્ને એ સંપીને પટેલાઈ કરી. આ સમય દરમ્યાન વસ્તી વધી અને આબાદ પણ થયું. આ સમયમાં હિન્દ માં મુસ્લીમ અમલ ની શરૂઆત હતી પણ ગુજરાત માં રજપૂત રાજ્ય હતું પાછળથી જયારે જમીન મહેસૂલ પુર્ણ ન ભરી શકાયું ત્યારે લોકો ચાલ્યા ગયેલા ને ગામ કેટલાંક વખત સુધી વસ્તી વિહોણું રહી આખરે પડી ભાગ્યું.

અત્યારનું સુણાવ ગામ જે સ્થળે વસેલુ છે તે ગામ સને ૧૧૫૬ માં કાસોર ગામના પટેલ વીકાભાઈ કરૂણાજી એ વસાવ્યું. ગામ વસાવ્યા બદલ તેમને સૂબા તરફથી ૧૦૦ વીધા જમીન પસાયતા તરીકે મળી. શુભ મુહૂર્ત જોઈને ગામમાં વસવા આવ્યા ત્યારે શ્રવણ નક્ષત્ર નો શુભયોગ હતો તેથી ગામનું નામ શ્રવણાવ્ય રાખેલ. જેનું અપભૃંશ સુણાવ થયું.

દક્ષિણ બાજુએ ચોરા પાસે જે દરવાજો છે તે અંદર રહેઠાણ કરી તે રહેતા હતાં. તેમના વંશજ ગણેશજી પટેલે ઉત્તર બાજુએ દેવ તળાવ ઉપર શ્રી વૈજનાથ મહાદેવ નું મંદિર બનાવ્યું. તે અરસામાં વણઝારા કોમે દક્ષિણ બાજુએ ગામ કૂવો કરાવ્યો એમ કહેવાય છે. વીકા પટેલે ગામ વસાવ્યા પછી ગામ પ્રતિદિન આબાદ સ્થિતિમાં આવતું ગયું. જેમ જેમ પાટીદારની વસ્તી વધતી ગઈ તેમ તેમ બીજી કોમો પણ આવીને વસવા લાગી.

વીકાભાઈ પટેલ પછી બાવીસ પેઢીઓનો ઈતિહાસ મળતો નથી. તેમની બાવીસમી પેઢીએ વિશ્રામ પટેલ અને બીજા ત્રણ ભાઈઓ થયા. વિશ્રામ પટેલ સુણાવ રહ્યા જયારે બીજા ત્રણ ભાઈઓ સાધી, સરભાણ અને બદરાનપુર જઈને વસ્યા. આ બધા લગભગ અગિયારમી પેઢીએ મળતા આવે છે.

વિશ્રામ પટેલ ને ગણેશજી અને નારણજી નામના બે દિકરા થયા.

ગણેશજી ને સુંદરદાસ, કરસનદાસ, ભગવાનદાસ, વેણીદાસ, પરાગદાસ અને કેશવદાસ એમ છ દિકરા જયારે નારણજી ને ત્રિકમજી અને કલ્યાણદાસ એમ બે દિકરા થયા.

જયારે વહેંચણી થઈ ત્યારે નારણજી એ પોતાને બે જ દિકરા હોવાથી ગામમાં અડધો ભાગ ન લેતાં ત્રીજો ભાગ લીધો. આમ બંન્ને ભાઈઓ એ આપસ આપસમાં સમજી વહેંચણી કરી. તંગીને કારણે કેટલાંક ભાઈઓ બહારગામ વસેલાં છતાં વડીલોએ પોતાની ભવિષ્યની પ્રજા માટે દુઃખ સહન કરીને અને ફાળે આવતો ફાળો આપીને પણ જમીન સાચવી રાખી. જયારે જયારે બહારગામ ગયેલા ભાઈઓ પરગામ થી પાછા આવ્યા ત્યારે તેમને સ્થિતિ પ્રમાણે નરવાહા માંથી વગર આનાકાની એ હિસ્સો આપી ગામમાં વસવાટ કરવાની અનુકૂળતા કરી આપી હતી.

હાલમાં વિશ્રામ પટેલ ના દિકરાઓ ગણેશજી અને નારણજી નો વસ્તાર પાંચ ખડકીઓ અને આંકલાવ વાળા ભાગ એ રીતે વહેંચાયેલ છે. વિગતવાર જોઈએ તો

ગણેશજી ના છ દિકરાઓ ની ખડકી
(૧) સુંદરદાસ ની ખડકી
(૨) કરસનદાસ (સુરદાસ) એટલે કે (મોટી ખડકી)
(૩) ભગવાનદાસ (લાલાજી ની ખડકી )
(૪) વેણીદાસ અને
(૫) પરાગદાસ ના વંશજ ( સંયુક્ત રીતે કાલીદાસ મૂળજીભાઈ એટલે કે કામુ ની ખડકી)
(૬) કેશવદાસ (આંકલાવ વાળા)

જયારે નારણજી ના બે દિકરાઓ
(૧) ત્રિકમજી અને (૨) કલ્યાણદાસ ના વંશજ એટલે કે નાની ખડકી

✤ ગામ ની નરવાહ પધ્ધતિ : -

આ ગામનો પ્રથમ નરવાહ પંદરમાં સૈકામાં બંધાયો. તે વખતે પરાગદાસ ના વંશજો અહી નહી હોવાથી આઠ ભાગમાં વહેંચાયેલ. તે વખતે ૧૦૦ વીધા જમીન પસાયતા અને ૧૫૦૦ વીધા મહેસૂલ ભરવાની એમ ૧૬૦૦ વીધા નો રકબો હતો. તે પર રૂપિયા ૧૦૦ નો નરવાહ બંધાયો એટલે દરેક ભાગીદાર ને રૂપિયા ૧૨ ના નરવાહ પેટે ૨૦૦ વીધા જમીન ભાગ આવી.

આ ઉપરાંત ૨૦ વીધા સલા મિયા , ૮૦ વીધા પસાયતા ની અને ૬૦૦ વીધા નાપા ના ગરાસિયા ની વાંટા ની જમીન હતી. એટલે એકંદરે ૨૩૦૦ વીધા જમીન હતી. તેનાં સરકાર ધારાના રૂપિયા ૧૦૦૦૦ ભરવાના હતા. સને. ૧૫૯૨ સુધી આ વહીવટ ચાલ્યો.

સને. ૧૯૫૩ માં નાપા ના ગરાસિયા ને નાણાં ની જરૂર પડવાથી ગામે રૂપિયા ૧૦૦૦૦ આપી વાંટા ની જમીન વેચાતી રાખી. વાંટા ની આ જમીન માંથી ૨૦૦ વીધા ખર્ચ પેટે સહિયારી રાખી અને ૪૦૦ વીધા જમીન ફાળ પ્રમાણે વહેંચી લીધી. સમય જતાં કેટલીક જમીન નરવાહદારો પાસેથી વેચાઈ ગઈ. વળી કેટલીક જમીન પસાયતા પેટે અપાઈ, છતાં ફાળો સરકારી ઠરાવ પ્રમાણે સરખે હિસ્સે જ અપાતાં હતાં. આ વહીવટ સને. ૧૭૧૪ સુધી ચાલ્યો. ત્યારબાદ વીસ વર્ષ સુધી ફાળા નું ઠેકાણું પડ્યું નહી. કારણકે ભાગીદારો ની વસ્તી વધતી ઓછી થઈ જવાથી થોડી વસ્તીવાળા ને ફાળો આકરો પડતો. આમ સને. ૧૭૩૬ ની સાલમાં વસો ના અમીન વારાણસીદાસ ભવાનીદાસ કારભારીની સમજૂતી મુજબ સૌની શક્તિ અનુસાર ફાળો ભરી શકાય તે રીતે મુખ્ય ચાર નરવાહદારો ઠરાવી રૂપિયા ૧૦૦ ના નરવાહ ની વહેંચણી નીચે મુજબ કરી.

✤ નરવાહદાર અને તેના ભાગ નો નરવાહ
(૧) શ્રી નારણજી ના વંશજ - દ્વારકાદાસ અને જગાભાઈ (રૂ. ૩૨ - ૬૨॥)
(૨) શ્રી ગણેશજી ના વંશજ - શ્રી કરસનદાસ ( ૨૯ - ૬૬॥)
(૩) શ્રી ગણેશજી ના વંશજ - ભગવાનદાસ ( ૨૯ - ૫૨।।।)
(૪) શ્રી ગણેશજી ના વંશજ - વેણીદાસ ( ૮ - ૧૮।।।)

આ પ્રમાણે કુલ ૨૩૦૦ વીધા ને ૧૮॥ વસા થયા તે ઉપર ફાળો વસૂલ કરવામાં આવ્યો.

સને. ૧૮૧૭ સુધી પેશ્ર્વાઈ રાજ્ય હતું. સને.૧૮૧૭ માં ગાયકવાડ અને પેશ્ર્વાઈ સરકારે અડધો અડધ ફાળા ની રકમ લીધી હતી. સને. ૧૮૧૮ માં સુણાવ બ્રિટિશ હકૂમત નીચે આવ્યું. તે વર્ષ માં નરવાહદારો એ આશરે રૂ. ૧૩૪૫૮ નો ફાળો ભર્યો હતો. સને. ૧૮૧૯ માં ખેડા ના લક્ષ્મીદાસ ધનેશ્ર્વરે ગામ ઈજારે રાખ્યુ હતું. તે વર્ષ માં રૂપિયા ૧ ના નરવાહ પેટે રૂપિયા ૧૪૭ ફાળાના લીધા હતા. ત્યારપછી નરવાહદારો એ સને. ૧૮૨૧ થી ૧૮૨૭ સુધી ઉચ્ચક રકમ આપવાની કરી ગામ ઈજારે રાખવા દીધુ નહી. સને. ૧૮૨૭ માં ફાળાનો આંકડો રૂપિયા ૧૦૮૫૦ હતો. આ દરમ્યાન સને. ૧૮૨૫ માં દુકાળ હતો ત્યારે સરકારે રૂપિયા ૬૨૨૫ લીધા હતા. આ વહીવટ દરમ્યાન જે જમીન પડતર રહેતી તે તલાટી સાંથતા અને પડી રહેલા ભાગ ની ખોટ નરવાહદારો જોડતા. ખેતર માં જે ઝાડો છે તે નરવાહદાર ના તેની ઉપર સરકાર નો હક્ક ન હતો. ઝાડ ની ઉપજ ખેતરનો માલિક લેતો.

સુણાવ પહેલા વડોદરાના ગાયકવાડ સરકારના હાથ નીચે હતું એટલે ચલણમાં ગાયકવાડ સરકારનો રૂપિયો જેને લોક બાબાશાહી રૂપિયો કહેતા તે હતું. સંવત ૧૮૭૪ એટલે કે સને. ૧૮૧૮ માં ગામડાંઓ ની વહેંચણી માં સુણાવ અંગ્રેજ સરકાર ના હસ્તક આવ્યું અને તેનો બોરસદ તાલુકા માં સમાવેશ કરવામાં આવેલ.

બ્રિટિશ સરકાર રાજ્ય થતા પહેલા ફાળા તરીકે રૂપિયા ૧૦૦૦૦ બાબાશાહી વસૂલ લેવાતા. તેને રોકડે રૂપિયા ૧૫ મુજબ વટાવ કાપી કલદાર રૂપિયા ૮૫૦૦ કંપની સરકારે નક્કી કર્યા. આથી રૂપિયા ૧ ના નરવાહદાર ને રૂપિયા ૮૫ ફાળો આપવો પડતો.

આ વહીવટ સને. ૧૮૯૫ - ૯૬ સુધી ચાલ્યો. આ વર્ષે ફરીથી સર્વે થઈ. આ વખતે ફાળો આકરો પડતો હોવાથી તથા જેમના ખાતાની જમીન વેચાઈ ગયેલી તેમને પણ સરખો ફાળો આપવો પડતો હોવાથી બધાને જમીન ના કસ પ્રમાણે ભરવું પડે એ હેતુ થી એક મત થઈ વાસદ મુકામે આકારી નરવાહ રાખવા કબૂલાત આપી. ત્યારથી આકારી નરવા ચાલતો હતો. સને. ૧૮૨૭ માં ૧૧ મતાં હતાં અને તેમને ઈનામના સરકાર તરફથી રૂપિયા ૧૩૬ મળતા હતા. સરકારી કાયદા પ્રમાણે સને. ૧૯૪૬ થી નરવાહ પધ્ધતિ બંધ થઈ .

એકંદરે તે સમયે ગામ ની કુલ જમીન ૧૭૧૧ એકર ૧૫ ગૂંઠા હતી.

સંવત ૧૯૫૬ - ૧૯૭૬ ( સને. ૧૯૦૦ - ૧૯૨૦ ) માં વરસાદ માત્ર અઢી ઈંચ જેટલો પડવાથી ભંયકર દુકાળ પડેલો અને તે એવો ભારે પડેલો કે ' છપ્પનીયા ' દુકાળ તરીકે બોલવામાં પ્રચલિત થયો. સરકારે આ દરમ્યાન રાહતના ધણા કામ ઉપાડેલા પણ પ્રમાણમાં ધણા ઓછા હતાં. સુણાવ ચરામાંથી જે કાંસ જાય છે તે આ દુકાળમાં સરખો કરેલો. જયારે ભૂખ દુર કરવા બીજો કોઈ ઉપાય નહિ દેખાતાં ધણા એ ખ્રિસ્તી ધર્મ સ્વીકારેલ એમ સુણાવ માંથી પણ ત્રણ ચાર પાટીદાર કુટુંબે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરેલ.

✤ આરોગ્ય સગવડ :-
સને. ૧૯૧૦ માં નાના પાયા પર ચોરા ની સામેની ઓરડીમાં સાર્વજનિક દવાખાનું શરૂ કરવામાં આવેલ, જે સમય જતાં સને. ૧૯૪૩ થી શંકરભાઈ ગરબડભાઈ પટેલ લોકલ બોર્ડ દવાખનું કહેવાયુ. સને. ૧૯૪૯ માં લોકલ બોર્ડ ના દવાખાના ના ચોગાનમાં શ્રી નારણભાઈ કાશીદાસ પટેલે પોતાના માતૃશ્રી કેસરબા ના સ્મરણાર્થે પ્રસુતિ ગૃહ નું મકાન બાંધી આપેલ. આ પ્રસુતિ ગૃહ અને લોકલ બોર્ડ દવાખાના નું સંચાલન જીલ્લા પંચાયત હસ્તક છે. સને. ૧૯૭૯ માં સુણાવ મેડીકલ રિલીફ સોસાયટી, સુણાવ ની સ્થાપના કરવામાં આવી ત્યારબાદ તેના અંતર્ગત સને. ૧૯૮૦ માં સુણાવ હોસ્પિટલ કાર્યન્વીત થઈ.

✤ શિક્ષણ ની સગવડ :-
તારીખ ૭ ઓક્ટોબર ૧૮૬૫ માં ગુજરાતી પ્રાથમિક શાળા ની સ્થાપના સરકાર તરફથી ચોરામાં થઈ. આગળ જતાં વિધાર્થીઓ ની સંખ્યા વધતા નવા મકાન ની જરૂરીયાત થઈ તેના દાતા ના નામે સને. ૧૯૪૩ થી જોરાભાઈ શંકરભાઈ પ્રાથમિક કુમાર શાળા અને સને. ૧૯૪૪ થી ખુશાલભાઈ શંકરભાઈ કન્યા શાળામાં પરિવર્તિત થઈ. જેનું સંચાલન જીલ્લા પંચાયત હસ્તક છે.

✤ આર.સી.મિશન શાળા :-
આ શાળા સને. ૧૮૭૧ માં મિશનરી સંસ્થાએ શરૂ કરેલ હતી. આનો ખાસ કરીને હરીજનભાઈઓ લાભ લેતાં હતાં. ચાર ધોરણ સુધીની શાળા હતી. તેનું સંચાલન મરિયમપુરા મિશન તરફથી થતું હતું. સમય જતાં આ શાળા બંધ થઈ ગઈ.

✤ એંગ્લો વર્નાકયુલર સ્કૂલ :-
ગામના વિધાર્થીઓ અંગ્રેજી શિક્ષણ મેળવે તે હેતુથી સને. ૧૮૯૯ માં આ શાળા ની શરૂઆત કરવામાં આવેલ. પણ ચાલુ બંધ થતા આખરે સને. ૧૯૧૯ માં શાળા માટે સૌથી વધુ દાન આપનાર શ્રી વલ્લભભાઈ બેચરભાઈ પટેલ ના સુપુત્રો ની ઈચ્છાનુસાર શાળા નું સને. ૧૯૧૯ થી ' વલ્લભભાઈ બેચરભાઈ એંગ્લો વર્નાકયુલર શાળા ' નામકરણ કરવામાં આવ્યું. આગળ જતાં
--- વલ્લભભાઈ બેચરભાઈ વિનય મંદિર (૧૯૨૩)
--- વલ્લભભાઈ બેચરભાઈ હાઈસ્કૂલ (૧૯૩૮)
--- વલ્લભભાઈ બેચરભાઈ માધ્યમિક શાળા (ટેકનીકલ સ્કૂલ)
વિભાગ:- કુમાર વિભાગ, કન્યા વિભાગ
--- વલ્લભભાઈ બેચરભાઈ વિવિધલક્ષી વિધાલય (૧૯૬૫)
--- ગોસ્પર ફોર એશિયા ( ચર્ચ ) દ્વારા સંચાલિત K.G થી ધોરણ ૮ સુધી ની કોન્વેન્ટ સ્કૂલ

ગામમાં નાત જાત કે ધર્મ ના ભેદભાવ વિના કેળવણી અને જનસેવાનાં કામો કરી શકાય તે માટે તારીખ ૬ ફેબ્રુઆરી ૧૯૪૬ , એટલે કે સંવત ૨૦૦૨ ની વસંત પંચમી ના રોજ ' સુણાવ કેળવણી મંડળ ' ની સ્થાપના કરવામાં આવી હતી.

હાલમાં સુણાવ કેળવણી મંડળ સંચાલિત નીચે મુજબ સંસ્થાઓ કાર્યરત છે.
(૧) વલ્લભભાઈ બેચરભાઈ હાઈસ્કૂલ
(૨) પ્રભુદાસ દયાળજી બાલમંદિર
(૩) વલ્લભભાઈ બેચરભાઈ વિવિધલક્ષી વિધાલય
(૪) મણીબેન સ્ત્રી ઉધોગ મંદિર
(૫) સુરજબા ગોવિંદભાઈ જોરાભાઈ પટેલ સ્ત્રી અધ્યાપન મંદિર
(૬) ડી.એસ. પટેલ ટેકનીકલ ઈન્સ્ટીટયુટ (T.E.B)
(૭) આ.કે.ટેકનીકલ ઇન્સ્ટિટ્યૂટ ( ITI )
(૮) સૂરજબેન ચુનીભાઈ ધોરીભાઈ પટેલ પ્રાથમિક શાળા
(૯) અતુલકુમાર જયંતિભાઈ ગોવિંદભાઈ પટેલ ઈગ્લીંશ મીડિયમ સ્કૂલ
(૧૦) સ્વ. ડાહીબેન છોટાભાઈ પટેલ ઉચ્ચતર માધ્યમિક વિભાગ (સામાન્ય પ્રવાહ)
(૧૧) એસ.કે.એમ કોમ્પ્યુટર સેન્ટર
(૧૨) ચંપાબેન ગોરધનભાઈ પટેલ માતૃ પિતૃ સાંસ્કૃતિક હોલ
(૧૩) દાદા ભગવાન હાયર સેકન્ડરી વિભાગ ( વિજ્ઞાન વિભાગ) ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ,
દાતાશ્રી , નવનીતભાઈ સી પટેલ, પાર્શ્વનાથ કોર્પોરેશન, અમદાવાદ
(૧૪) વીતરાગ દાદા ભગવાન ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ સેન્ટર ( CNC )
દાતાશ્રી નવનીતભાઈ સી પટેલ, પાર્શ્વનાથ કોર્પોરેશન, અમદાવાદ

✤ પુસ્તકાલય :-
(૧) કિશાભાઈ લલ્લુભાઈ પટેલ સાર્વજનિક પુસ્તકાલય
(૨) હરીબા અંબાલાલ જોરાભાઈ મહિલા પુસ્તકાલય

✤ ગામ માં અન્ય સંસ્થાઓ :-
--- સુણાવ દૂધ ઉત્પાદક મંડળી
--- છોટાભાઈ દેવજીભાઈ પટેલ વ્યાયામ મંદિર
--- ભીખાભાઈ તુલસીભાઈ મંગળભાઈ છાત્રાલય
--- હાથીભાઈ તુલસીભાઈ પટેલ ધર્મશાળા અને પક્ષીગૃહ
--- હીરાબા જોરાભાઈ શંકરભાઈ જળાગાર
--- શીવાભાઈ વલ્લવભાઈ પટેલ (ભગત) સ્વર્ગભૂમિ (સ્મશાન)
--- આશાભાઈ નારણભાઈ મનોરભાઈ સેવા સમાજગૃહ
--- સ્વ. ભુલાભાઈ કલ્યાણભાઈ પટેલ ટાઉનહોલ
--- સોમાભાઈ મનોરભાઈ રેવનદાસ ટાવર
--- પટેલ વાડી , નાની ભાગોળ ( મુખ્ય દાતાશ્રી, ગોરધનભાઈ આશાભાઈ પટેલ )
--- વિશ્રામ પટેલ પાટીદાર વાડી

✤ ધાર્મિક સ્થળ :-
હિન્દુ ધર્મ ના મંદિર, મસ્જિદ, જૈન દેરાસર તેમજ ચર્ચ આવેલ છે. જે બતાવે છે કે ગામના લોકો બિનસાંપ્રદાયિકતા માં વિશ્વાસ ધરાવે છે.