ઉત્તરસંડા

✤ સ્થાન :- અમદાવાદ મુંબઈ બ્રોડગેજ રેલ્વે લાઈન ઉપર આણંદ નડિયાદ વચ્ચે ઉત્તરસંડા ગામ આવેલ છે.
રાષ્ટ્રીય ધોરી માર્ગ ગામ ને પાદરે થી પસાર થાય છે.
ગામ નું ક્ષેત્રફળ આશરે ૩.૩ કી.મી છે.
ભૌગોલિક સ્થાન જોતાં ૨૨° - ૪૦ʼ ઉ.અક્ષાંશ અને ૭૨° - ૫૪ʼ પૂ. રેખાંશ ઉપર આવેલ છે.
✤ વસ્તી :- આશરે ૧૨૦૦૦

ગામ કયારે વસ્યુ તેનો સચોટ પુરાવા નથી. પણ લૌકિક દંતકથાઓ પ્રમાણે અગાઉ અત્રે તુલસીદાસ અને વણારસીદાસ નામના બે ભાઈઓ એ અત્યારે જ્યાં સ્મશાન ભૂમિ છે,
ત્યાં વસવાટ કરેલો. તેઓના વસવાટ થી ગામ નું નામ તણસોલ - વણસોલ કહેવાતું. સ્મશાન ભૂમિ પાસે તણસોલ નો ચરો છે. આજે પણ જુના મકાનોના પાયા ચરા માં દટાઈ ગયેલા મળી આવે છે.

તણસોલ તૂટતાં તેની બાજુમાં ઉત્તરસંડા ગામ નો જન્મ થયેલો. જૂની દંતકથા પ્રમાણે એક રબારી ની ગાયના આંચળ માંથી એની મેળે દૂધ ની ધારા વહ્યા કરતી હતી. તે જોઈ ભેગા મળેલા રબારીઓએ દૂધ ના દેગડા ભરી લીધા. આશ્ર્ચર્યચકિત થયેલી એક રબારણ દૂધ ના ઉતરડ જોઈને "ઓતરડ....ઓતરડ " એમ બોલવા મંડી. આ ઓતરડ શબ્દ કાળે કરીને પ્રચલિત પામ્યો અને આગળ જતાં ઉતરડા,ઉત્તરસદા અને પછી ઉત્તરસંડા થયું. તે ભકિતભાવ વાળી પ્રજા એ જયાં દૂધ ની ધરા થઈ હતી ત્યાં મહાદેવ નું મંદિર બનાવ્યું જે આજે પારેશ્ર્વર મહાદેવ તરીકે જાણીતું છે.

ગામ ના વિસ્તાર માં ક્યાંક ક્યાંક કોટ અને મસ્જિદ પાસે જુના દરવાજા ના અવશેષો જોઈ શકાય છે. એમ લાગે છે કે અત્રે કોઈ સારું નગર હોવું જોઈએ. ગામ ની ભાગોળે દરવાજા પાસે ૧૯૫૩ માં એક પાળીયો મળી આવેલ હતો. તેના ઉપર ધોડે સ્વાર નું ચિત્ર છે. જેના હાથમાં ઢાલ અને તલવાર છે. એના ઉપર થી લાગે છે કે આ ભૂમિ પર ભૂતકાળ માં કોઈ શૌર્ય નું પ્રદર્શન થયું હશે તેના સાક્ષી રૂપે છે.

ગામની વસ્તી મોટાભાગ ની પાટીદારો છે. તેઓ એકજ પિતાની પ્રજા છે એમ વંશ વેલા પરથી જણાય છે. મૂળ સોજીત્રા ના વતની દયાળ પટેલ અહિંયા આવીને વસ્યા હતા અને તેમના જ વંશજ મનાય છે. આગળ જતાં વંશ વધતા તેઓ અલગ અલગ રહેતા થયાં. જેમકે

--- ધનજીભાઈ ની ડેલી
--- વાલાભાઈ ની ખડકી
--- ભગત ની ખડકી
--- ટેકરા ખડકી
--- ચકલી દરવાજો
--- મોટી ખડકી
--- જૂના ચોરા
--- અંબામાતા નું ફળીયું
--- લોખંડ નો ઝાંપો
--- દાદાભાઈ ની ખડકી
--- મોટા ની ખડકી માં વસવાટ કરતા પાટીદારો એક જ પિતાની પ્રજા છે એમ મનાય છે.

ગામમાં બ્રાહ્મણ અને વાણિયાઓ ની પણ વિશેષ વસ્તી હતી. તેના પ્રતિકરૂપે બ્રહ્મપોળ, વાણીઆવાડ, જદુ ભટ્ટ ની ખડકી વગેરે ફળિયાં છે. તેમની ઇષ્ટ દેવી કુળેશ્ર્વરી દેવી નું મંદિર ચકલાસી ના રસ્તે આવેલું છે.

✤ શૈક્ષણિક સગવડ
આ ગામ અંગ્રેજ સરકારે સન ૧૮૨૬ થી ૧૮૮૨ સુધી સુંદર શેઠ ને બક્ષિસ આપેલું. એમ જુના બક્ષિસપત્ર પરથી જણાય છે. તે સમય દરમ્યાન સન ૧૮૫૪ ની સુમારે અંગ્રેજ સરકારે એક શાળા ખોલેલી, તે થોડો વખત બંધ રહ્યા પછી પુન: તારીખ ૦૨ ઓક્ટોબર ૧૮૬૫ ના રોજ કુમાર શાળા શરૂ કરવા આવી.

ત્યારબાદ તારીખ ૦૧ ફેબ્રુઆરી ૧૮૭૦ ના રોજ ગુજરાતી કન્યા શાળા ની સ્થાપના કરવામાં આવી હતી.

સન ૧૯૧૨ માં ઉત્તરસંડા કેળવણી મંડળ ની સ્થાપના કરવામાં આવી.

આજની તારીખે તેની સંચાલિત સંસ્થાઓ નીચે મુજબ છે.

(૧) લાલજીભાઈ ગીરધરભાઈ પટેલ બાલમંદિર
(૨) સ્વીટુ ઈગ્લીંશ મીડિયમ શાળા (સ્થાપના ૧૯૮૨) ત્યારબાદ તારીખ ૩૦-૦૪-૨૦૧૨ થી શ્રી એમ.આઈ. પટેલ ઈગ્લીંશ મીડિયમ નવુ નામકરણ કરવામાં આવ્યુ.
(૩) શ્રીમતી એમ સી પટેલ પ્રાથમિક શાળા (૧૯૮૨ માં અલગ અસ્તિત્વ)
(૪) સન.૧૯૧૨ માં કોરોનેશન શાળ સ્થાપવા માં આવેલ ત્યારબાદ સન.૧૯૩૬ સુધી માં મેટ્રિક સુધી ના વર્ગ થતા તે કોરોનેશન હાઈસ્કૂલ તરીકે ઓળખાતી થઈ. દેશ સ્વતંત્ર થતા સન.૧૯૫૦ માં તેનુ નવું નામકરણ કરવામાં આવ્યુ જે ભારત હાઈસ્કૂલ હતું. સન.૧૯૬૫ માં પ્રાથમિક વિભાગ અલગ થયો ત્યારબાદ તે ભારત હાઈસ્કૂલ માધ્યમિક ઉચ્ચ વિભાગ તરીકે ઓળખાય છે
(૫) ઈશ્વરભાઈ જીવાભાઈ પટેલ કન્યા વિદ્યાલય
(૬) જૂન ૨૦૨૪ થી શરૂ થતાં શૈક્ષણિક વર્ષ થી શ્રી એમ. આઈ.પટેલ ઈગ્લીંશ મીડિયમ સેકન્ડરી સ્કૂલ ની શુભ શરૂઆત થઈ રહેલ છે.

✤ અન્ય શિક્ષણ સંસ્થાઓ
(૧) શ્રી ઈશ્વરભાઈ ભુલાભાઈ પટેલ પ્રાથમિક કુમાર શાળા
(૨) શ્રી જીવાભાઈ દાદાભાઈ પટેલ કન્યા શાળા
(૩) દિવાળીબા કન્યા શાળા
(૪) ખ્રિસ્તી મિશનરી પ્રાથમિક શાળા ( જે બંધ થઈ ગઈ છે.)

શ્રીમતી મણીબેન ચુનીભાઈ પટેલ ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઈન્સ્ટીટયુટ

ગામના ઉદાર દાનવીર સ્વ. ચુનીભાઈ ડાહ્યાભાઈ પટેલે તેમના ધર્મપત્ની સ્વ. મણીબેન ના સ્મરણાર્થે ૧૩ લાખ રૂપિયા તથા ૧૧ એકર જમીન આઈ.ટી.આઈ માટે દાન કર્યું હતું.

✤ પુસ્તકાલય
ગામ ના નાગરિકો અને વિદ્યાર્થીઓ નવરાશના સમયે વાંચન પ્રવૃત્તિ કરી શકે, તે માટે ગામમાં શ્રી લલ્લુભાઈ ભક્તિભાઈ પટેલ તરફ થી પુસ્તકાલય ની સ્થાપના કરવામાં આવી.

ગામમાં લોકોને વિસ્તૃત પ્રમાણ માં વાંચન નો લાભ મળી શકે તે માટે શ્રીમતી લલિતાબેન ઈશ્વરભાઈ પટેલ ના નામે બીજું એક પુસ્તકાલય પણ ચાલુ કરવામાં આવેલ જે સમય જતાં બંધ થઈ ગયેલ છે.

✤ આરોગ્ય સગવડ
--- સન.૧૯૩૩ ના રોજ સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની સ્થાપના થઈ હતી.
--- સન.૧૯૪૮ ના રોજ દીવાળીબેન પ્રસૃતિગૃહ અસ્તિત્વ મા આવેલ.
--- સન.૧૯૫૫ માં ચરોતર મેડીકલ રિલીફ સોસાયટી ની સ્થાપના કરવામાં આવી તે અંતર્ગત શ્રી ચતુરભાઈ ગંગાદાસ જનરલ હોસ્પીટલ સ્થપાઈ અને આજે અધ્યતન સગવડો થી સભર અને વિવિધ વિભાગો થી વિસ્તૃત થઈ છે.

✤ હિરાવાડી
ગામના લોકોને તેમના સુખ દુઃખ ના પ્રસંગો માટે ની વ્યવસ્થા કરવાની ધણીજ મુશ્કેલી પડતી હતી. આ મુશ્કેલી સ્વ. ચુનીભાઈ ડાહ્યાભાઈ પટેલે તેમના માતૃશ્રી હિરાબા ના નામ ઉપરથી " હિરાવાડી " બંધાવી આપી ને દુર કરી હતી.

ઈશ્વરભાઈ જીવાભાઈ પટેલ સંસ્કાર કેન્દ્ર (આ એક મલ્ટી પરપઝ હોલ છે. જેનો ઉપયોગ ગામના લોકો મોટા પ્રમાણ માં લે છે.)

સન. ૧૯૫૧ માં ઉત્તરસંડા ગામ ઇલેક્ટ્રિક ગ્રીડ સીસ્ટમ થી જોડાયું.

✤ શ્રી ભીખાભાઈ વાધજીભાઈ બીન જેઠાભાઈ વોટર વર્કસ
સન. ૧૯૩૩ માં વોટર વર્કસ ની સ્થાપના થઈ અને સન. ૧૯૫૧ માં ઇલેક્ટ્રિક ગ્રીડ સીસ્ટમ થી ગામ નું જોડાણ થતાં અપગ્રેડ કરી ઇલેક્ટ્રિક પંપ મૂકવામાં આવ્યા.
૬૦ ના દશકા માં સરપંચ સ્વ. શ્રી ઈશ્વરભાઈ ભુલાભાઈ પટેલ એ ગટર સીસ્ટમ, વેસ્ટ ટ્રીટમેંટ પ્લાન્ટ અને પથ્થર ના રસ્તા ના પ્રોજેક્ટ પુરા કર્યા હતાં.

✤ ઉત્તરસંડા ગામ વિકાસ સેવા ટ્રસ્ટ
આ ટ્રસ્ટ પાછળ નો ઉદ્દેશ્ય ગામને સ્વાવલંબી તેમજ લોકો નું જીવન ધોરણ ઉંચુ લાવવા માટે ના પુરા સાધનો મળી રહે તેવું આયોજન કરવું અને તેને અમલમાં મુકવા.

આ ટ્રસ્ટે અત્યાર સુધીમાં કેળવણી મંડળ ને, પુસ્તકાલયો ને, ગ્રામ પંચાયત ને વગેરેને પોતાના સંસાધનો નો લાભ આપ્યો છે. જેવાકે (અંદાજીત ખર્ચ સાથે)
--- શ્રી ઈશ્વરભાઈ જીવાભાઈ પટેલ સંસ્કાર કેન્દ્ર (૧૫,૦૦,૦૦૦)
--- ત્રણ બાલમંદિર દરેક માં ૧૦૦ બાળકો ની વ્યવસ્થા સાથે (૧૫,૦૦,૦૦૦)
--- ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઈન્સ્ટીટયુટ (૬૦,૦૦,૦૦૦)
--- સ્મશાન ભૂમિ નું આધુનિકરણ (૩,૦૦,૦૦૦)
--- બસસ્ટેન્ડ ઉપર શોપિંગ સેન્ટર અને બાગ બગીચા નું કામ (૫,૦૦,૦૦૦)
--- રમતગમત માટેનું સંકુલ (૩,૦૦,૦૦૦)

આ ઉપરાંત બીજા નાના મોટા પ્રોજેક્ટો ની જવાબદારી ઉપાડી લીધી હતી અથવા બીજી સંસ્થાઓ ના આયોજકો ને સહકાર આપતા.

હાલમાં સનરાઈઝ ફાઉન્ડેશન અંતર્ગત ગામ માં ધણા વિકાસ ના કાર્યો ચાલી રહ્યા છે.

ઉત્તરસંડા પીપલ્સ કો-ઓ બેંક લી. ની સ્થાપના તારીખ ૦૮ એપ્રિલ ૧૯૩૭ ના રોજ કરવામાં આવેલ. જેનો ઉદ્દેશ્ય ગામના નાગરિકો ને વ્યવસાય, ખેતી માટે આર્થિક સહાય મળી રહે તે છે.

સન.૧૯૫૧ માં ઉત્તરસંડા મિલ્ક ઉત્પાદન કો.ઓપરેટીવ લી. ની સ્થાપના કરવામાં આવી. જેનો ઉદ્દેશ્ય પશુપાલન વ્યવસાય ને વેગ મળી રહે તે છે.

ખેડૂતો માટે સેવા સહકારી મંડળ પણ કાર્યરત છે.

ગામ માં નાના ઉધોગ પણ ફૂલાફાલ્યા છે જેવાંકે સીમેન્ટ સપ્ન પાઈપ , કોલ્ડ સ્ટોરેજ પ્લાન્ટ તેમજ પાપડ, મઠીયા ના વ્યવસાય આજે દેશ વિદેશ માં જાણીતા છે.

ઉત્તરસંડા ગામ પંચાયત દ્વારા ગામના નાગરિકો ની કોઈપણ પ્રકાર ની ફરિયાદ નિવારણ હેતુ સનરાઈઝ ઉત્તરસંડા નામ થી એપ્લિકેશન ચાલુ કરવામાં આવેલ છે.

ગામમાં વિવિધ સ્થળે CCTV કેમેરા મૂકવામાં આવેલ છે જેના દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ને ટાળવા અને ગામ ની તમામ હલન ચલન ને મોનીટરીંગ કરવામાં આવે છે.

ગામ માં Wi Fi ની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

ગ્રામ પંચાયત ના પ્રયત્નો અને NRI નાગરિકોના સહયોગ થી સનરાઈઝ ફાઉન્ડેશન અંતર્ગત આશરે રૂપિયા બે કરોડ ના ખર્ચે વેરા તળાવ નું બ્યુટીફિકેશન કરવામાં આવ્યું તેમજ તળાવ ના પરિસર માં જ ચિલ્ડ્રન પાર્ક બનાવવામાં આવ્યો છે.

ગામમાં બીજા એક ગોયા તળાવ ના બ્યુટીફિકેશન નું કામ ચાલી રહેલ છે.

ઉત્તરસંડા ગુતાલ રોડ પર બુલેટ ટ્રેન નું સ્ટેશન અને બુલેટ ટ્રેન માટે લોકો શેડ નું કામ પૂરજોશ માં ચાલી રહ્યુ છે.

ખેડા જીલ્લા માં પ્રથમ ગોકુળ ગામ નો પુરસ્કાર પ્રાપ્ત કરવાનું સન્માન ગ્રામ પંચાયત ને પ્રાપ્ત થયેલ છે.